રવિવાર, 18 ડિસેમ્બર, 2011

અકથ કહાની પ્રેમ કી


અકથ કહાની પ્રેમ કી....

શિયાળાની ઋતુ હતી. સૂર્ય અસ્તાચળે પહોંચ્યો હતો. કાતિલ ઠંડો પવન જોરથી ફૂંકાવા લાગ્યો હતો. સુખી લોકો પોતપોતાના ઘરમાંમાં ઘૂસી ગયા. પહોંચતા લોકો ગરમ ગરમ ભોજન કરીને બેડ રૂમમાં ભરાયા. કોઈએ રજાઈઓ ઓઢી તો કોઈએ રુમ હિટરો ચાલુ કર્યા.

એવોય એક વર્ગ છે, જેનું આશ્રયસ્થાન ફુટપાથ જ છે. અર્ધનગ્ન શરીર, ફાટેલા કપડાં, થોડાં ડબા-ડૂબી અને થોડાં મેલાં ગાભાં. આ એમની સંપત્તિ ... ઠંડો પવન વાયો અને તેમના ભૂખથી ભાંગેલાં શરીરો ધ્રૂજવા લાગ્યા. ફૂટપાથ છોડીને આજે ખૂણાઓ, ઓટલાઓ શોધવા તે નીકળી પડ્યા.

મકાનોમાં સૂતેલ બે બહેનોની નિંદર આજે વેરણ બની ગઈ. બંનેના મનમાં એક જ પ્રશ્ન છે : 'અમને જો આટલી ઠંડી લાગે છે, તો આ કાતિલ ઠંડીમા એ લાચાર લોકો, જેની પાસે ન તો કોઈ આશરો છે કે ઓઢવા માટે કંઈ કહેતાં કંઈ જ નથી એવાઓની શી હાલત થતી હશે?'

બીજે દિવસે સૂર્યાસ્ત થતાની સાથે જ આ બંને બહેનો નીકળી પડી. બંગલાઓનો વિસ્તાર છોડીને એકાંત અને અંધારામાં એમની નજર ખેંચાવા લાગી. ખૂણામાં ક્યાંય પણ ઠંડીમાં થરથરતો માનવ આકાર દેખાતાં જ કામળા સાથે એમના હાથ લંબાવા લાગ્યા.

કામળો મળતાં જ કોઈ ભાઈની આંખમાં આંસુ આવ્યાં. તેણે પોતાના નાના ભાઈને ખોળામાં લઈ લીધો અને બંને જણા એમાં ઢબૂરાઈ ગયા. આગળ ગયાં તો એક અપંગ તરફ એમનું ધ્યાન ખેંચાયું. ગાડી પાછી લીધી અને ગરમ કામળાથી તેને ઢાંકી દીધો.

આગળ વધ્યાં તો એક અંધ પુરુષને સડકના કિનારે ભીખ માગતો જોયો. સાથે સ્ત્રી, કેડમાં અને આંગળીએ છોકરાં. માતાને ધાબળો આપતાં એણે લીધો-ન-લીધો અને તરત ધ્રૂજતા બાળકોને ઓઢાડી દીધો. બાળકોને મળેલી ઉષ્માથી માતાની ધ્રૂજારી પણ બંધ થઈ ગઈ. શરીર ભલે ગરીબનું હતું, પણ દિલ તો આખરે માનું જ ને!

કોઈનો આનંદ એની આંખોમાં ચમક્યો, તો કોઈનું બોખલું મોઢું ધાબળો જોઈને રાજી થયું. કોઈએ પ્રશ્ન પૂછ્યો, તો કોઈએ જમીન ઉપર હાથ પસવારતા દેનારના પગ શોધવા પ્રયત્ન કર્યો.

ઓટલા ઉપર ટૂંટિયું વાળીને એક અનાથ નારી સૂતી હતી. એના શરીર ઉપર હળવા હાથે તે બહેનોએ કામળો ઓઢાળ્યો અને એની આંખ ઊઘડી ગઈ. કાતિલ ઠંડીમાં રાહત અનુભવતા એણે આભારવશ અવાજે પૂછ્યું, 'બહેન, કિસને દિયા?'

જવાબ મળ્યો: 'ઉપરવાલેને!' એ જવાબમાં હતો સત્કાર્ય કર્યાનો એક આનંદ અને કામળો સ્વિકારનાર પ્રત્યે અનુગ્રહનો ભાવ, કે કામળો લઈને તેણે અમને આનંદના અધિકારી બનાવ્યા.

આ સમયે આપણા મનમાં એક સહજ પ્રશ્ન ઉદભવશે કે આનંદ કોને હતો, લેનારને કે દેનારને? 

જ્યારે પ્રેમપૂર્વક કંઈ પણ આપનવામાં આવે છે ત્યારે આપનાર તો લેનારને આપે જ છે, પરંતુ લેનાર પણ આપનારને ઘણુંબધું આપે છે. લેનાર તેને મળેલા દાનનો સ્વિકાર કરતાની સાથે જ દાન આપરના અંતરને અલૌકિક આનંદથી ભરી દયે છે.

આમ જોઈએ તો પ્રેમપૂર્વક અપાયેલું દાન લેનારને તો સમૃધ્ધ કરે જ છે પરંતુ આપનારને પણ સમૃધ્ધ કરે છે. માટે, પરમાત્માએ તમને જે કાંઈ પણ આપ્યું હોય તેમાથી યથોચિત, સમાજના જરુરિયાતમંદો વચ્ચે પ્રેમપૂર્વક વહેંચતા રહેજો. ત્યાં જ જીવનની સાર્થકતા અને આત્માનો આનંદ અનુભવાશે...

કોઈના પણ જીવનપથમાં તેને સુખના માર્ગે વાળવારૂપી પ્રકાશનું એક નાનકડું કોડિયું પ્રગટાવીને મૂકવું તે પણ એક મોટું પુણ્ય કાર્ય છે. આવી તક પરમાત્મા આપણને ઘણી વાર આપે છે. ક્યારેક પરમાત્માનું એ કાર્ય કરી જોજો. જીવનમાં અનેરો આનંદ રેલાઈ ઉઠશે. 

પરમાત્માને આપણે પ્રેમના સિંધુ અને નિરાધારના આધાર કહીએ છીએ... કોઈ નિરાધારને આધાર, કોઈ અપમાનિતને પ્રેમ આપી જુઓ; ત્યારે તમારા અંતરમાં એ પરમતત્વનું અવતરણ થયા વગર રહેશે નહિં... કબીરજીએ યથાર્થ ગાયું છે કે - અકથ કહાની પ્રેમ કી કછુ કહી ન જાય; ગુંગે કેરી સર્કરા ખાયે ઔર મુશ્કાય... 

યાદ રોખજો કે પ્રેમના બીજમાંથી જ પરમાત્મારૂપી અંકૂર ફૂટે છે.


 સુરેશ ગણાત્રા

1 ટિપ્પણી:

Please comment with your own opinion.