જીવનના હકારની કવિતા, દરેક પ્રેમીઓ માટે...
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી-,
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો - ચાલ્યા કરો બસ એ જ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો
જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો
ચમકતાં આંસુનો - જલતા જીગરનો સાથ મળવાનો
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો
ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં
કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો
ફક્ત દુઃખ એજ છે એનું તરસ છીપી નથી શકતી
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો
- શેખાદમ આબુવાલા
ઘણીવાર એવું બને છે કે, બધું જ મેળવી લેવાની લ્હાયમાં ને લ્હાયમાં જે પાસે છે તે પણ ગુમાવવું પડતું હોય છે. ઘણીવાર મેળવવાની એટલી બધી ઉતાવળ હોય કે મેળવી લીધા પછીનો રોમાંચ આપણામાંથી નીકળી ગયો હોય...! વાત હોય, વ્યક્તિ હોય કે વસ્તુ.... હદમાં જ સારી, હદથી વધે પછી વકરી જવાનો સંભવ રહે છે. ધીરજથી કેળવાયેલું કામ સમજમાં 'શાન'નો ઉમેરો કરે છે. પ્રણય તો એક હદથી આગળ વધે તો ગૂંગળામણ અનુભવાય છે, અકળામણ અનુભવાય છે. પ્રેમ આવેગ અને ધીરજનાં પલ્લામાં 'સમતોલ' થવો જોઈએ. વધારે પડતો વરસાદ ખેડૂત માટે અછતની સ્થિતિ નિર્માણ કરે છે, વધારે પડતો વરસાદ ખેતીને માફક નથી રહેતો. વધારે પડતો પ્રણય જીવનની લેતી-દેતીને માફક નથી આવતો...!
ગર્વ હોવો જોઈએ પણ અભિમાનની કક્ષાનો નહિ. સર્વને સ્વીકારી શકે એવો હોવો જોઈએ. છતાં પણ કોઈક આપણી સામે ગર્વ કરે, એનો પાવર બતાવવાનો પ્રયત્ન કરે તો સૂર્યની સામે ન દેખાતા તારલાં થઇ જવું. આપણી ગેરહાજરી આપણા વ્યક્તિત્વને સાલે છે, આપણા અસ્તિત્વને નહિ... પ્રેમ મૃત્યુ નથી પામતો એટલે કે એની અગન અમર છે, એ ભસ્મ ન બની શકે... વિરહની રસ્મમાંથી પસાર થનારો બની શકે... જેને બધાએ ત્યજી દીધો છે એ પથિક પોતાને રસ્તે પોતાનો જ સથવારો બને છે. એણે હાથીની ચાલ રાખવી. કૂતરાનું ભસવું નામક્કર હોય છે એ કબૂલ પણ એનાથી હાથીની ચાલ ગભરાઈ જાય એ તો ક્યાંથી શક્ય બને?
પ્રેમ એક એવો સમુદ્ર છે જેને કિનારો નથી... પ્રેમીઓની હોડી સદાય પ્રેમના સમુંદરમાં તરતી રહે છે. જેને ડૂબીને તરી જવું છે એના માટે પ્રેમ છે. જેણે તરીને કિનારો શોધવો છે એના માટે સંબંધો છે... અને આ તો પ્રેમની 'પાવક જ્વાલા' છે. અહીયાં રસ્તો શોધવાનું, જાતે ચાલવાનું, જેને પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ વગર પણ જીવવાનું... બધું જશક્ય છે... જલતા જિગર અને ચમકતાં આંસુઓ સાથે પ્રેમનો રસ્તો અંધારિયો નથી લાગતો...
ક્યારેક કારણ વગર પ્રેમની પૂનમને ઉદાસીની અમાસ બેસે છે. મનની નગરીમાં એવાં ઘણાં તોફાનો છે જેનો અણસારો કે વર્તારો નથી હોતો, પણ એ હોય છે... શાંત જળનો વલોપાત પાણીમાં રહેતી માછલીઓને સમજાતો હશે! વારંવાર તરસ છીપાવ્યા પછી પણ લાગતી તરસ પ્રેમમાં એકરસ બની જાય છે... પ્રેમનો સાગર ખારો નથી છતાંયે તરસ છીપાવી નથી શકતો એ પણ કબૂલવું જ રહ્યું....
જીવનના હકારની આ કવિતા પ્રેમના સંબંધે રચાયેલી 'સમદ્રષ્ટિ' કેળવવા પ્રેરે તેવી ગઝલ છે...
પ્રેમ એક એવો વિષય છે જેમાં દરેક વિષયોનો તંતુ મળે છે...
આ તંતુ સધાય ત્યારે કોઈક કવિતા 'લખે' છે અને કોઈ કવિતા 'જીવે' છે...
.
આપનો .....
નીરવ જાની ...
ક્યારેક વિવશ કરી દે છે સંબંધો ની આ માયાજાળ ...
જવાબ આપોકાઢી નાખોકોણ આપણાં કોણ પારકાં , સદાકાળ નો એકજ આ વિવાદ ...
શબ્દો ને બાંધવા ખિલે કે પછી તીર ની સમ ભલે છૂટ્યાં ....
વિવેક ન રહે આંખો નો , અને થાય એક ઘા અને બે કટકા ...
મૌન થઈ વાણી ની સમશેર અને મન માં વિચારો ના યુધ્ધ મંડાણા ....
મોકાણ થઈ કેવી , હૃદય તો વાતો માં ગરકાવ રહ્યા ....
આ સંબંધો ની વિવશતા કહો કે પછી નાદાની ....
પ્રેમ માં પ્રથમ થાય નજર થી નિહાલ હૃદય , પછી થાય બેહાલ ...
છતાંય લાકડી મારે પાણી ન જુદા થાય ....
બસ , બે જીવ કહેવાય ભલે ને જુદા પણ મન નાં મેળ તો એકજ રહેવાના ....!!!
.
Nice article.
- Nisha.