બુધવાર, 12 જૂન, 2013

૧૨ પ્રકારના મેઘ

અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછુટકે કલમને શરણે જવું પડે છે. 
આપણા ઋષિએ વરસાદને પર્જન્ય કહ્યો છે 
અને વળી એને પિતાને સ્થાને બેસાડ્યો છે.
વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે.
જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે,
જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે
અને રહી જાય છે
કેવળ મૌન!
એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે.


આપણા ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘ નું વર્ણન કરવામાં આવ્યું છે.

તેના ઉપરથી એક કહેવત પણ બનેલ છે કે "બારેય મેઘ ખાંગા"...

તો ચાલો આજે જાણીએ એ મેઘનાં ૧૨ પ્રકાર...

૧. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

(સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.