બુધવાર, 5 જૂન, 2013

The Great Gatsby : પ્રેમપ્રતીક્ષા (Part 2)

એ આશામાં વરસો વીતી જાય છે
કે ફરશે તો પળભરમાં ફરવાના દિન ! (મરીઝ)


ન્યૂયોર્કમાં નવો નવો રહેવા આવેલો જયાન શેરદલાલ નિક ૧૯૨૨ના ફુલગુલાબી દોરમાં ખુશ છે. એની કઝીન ડેઈઝી ધનાઢ્ય ટોમને પરણી ત્યાં જ રહે છે. નિકનો પાડોશી જય મહેલ જેવા મકાનમાં એકલો રહે છે, પણ અમીરાતના તો મોજાં ઉછળે છે એને ત્યાં. મધરાતના એકાંતમાં એ ઘરની સામે પાણીની પેલે પારના એક ભવ્ય બંગલામાં આવતી ગ્રીન લાઈટને તાકે છે, અને નિકને ખબર પડે છે કે છેલ્લાં પાંચ વરસથી એ આખા શહેરને મફતમાં ગ્રાન્ડ પાર્ટી એટલે આપે છે કે બસ એક વાર એનો ખોવાયેલ પ્રેમ ડેઈઝી ત્યાં આવે! નિક એની રિક્વેસ્ટ સ્વીકારી પોતાના ઘરે ડેઈઝીને બોલાવવાનો પ્લાન કરે છે.
અને ઓક્સફર્ડ એટીકેટ ધરાવતો ફૂલ એરિસ્ટોક્રેટ એવો જય ગટ્સબી જેના એક અવાજે અડધું શહેર એની તહેનાતમાં ઉભા રહે એવો ઠાઠવાળો અમીર નાના બાળક જેવો નર્વસ થઈ જાય છે, ડેઈઝી આવવાની હોય છે ત્યારે! પોતાના ઘરને જાતે સજાવે છે. બાજુમાં નિકના ઘરે ડેઈઝી તો આવવાની છે, એટલે જરાક ઘેલો ને ઘાંઘો થઈ ફૂલોની દુકાન જેટલા ફૂલો ત્યાં મૂકી આવે છે! ઘડી ઘડી મનમાં પોતાની જાતને પૂછ્યા કરે છે કે બધુ બરાબર લાગે છે ને, પોતે તો ઠીકઠાક લાગે છે ને! ઈશ્ક ભલભલા કઠણ જોરાવરને ઢીલો પાડી દે છે. બીજા સામે કોન્ફિડન્ટ લાગતો આદમી ગમતી છોકરી સામે ભીંજાયેલા કબૂતર જેવો ગભરાટ અનુભવે છે. એ જ તો પ્યારની નિશાની છે!
ડેઈઝી તો એમ રૃપાળી ને નખરાળી છે. એકદમ મૂડી છે. એ આવે છે ત્યારે વર્ષો પહેલાં ખોઈ નાખેલા આ પાત્રનો સામનો કરવામાં નિકને વરસાદમાં પરસેવો છૂટી જાય છે. વરસાદ બહાર પડે છે, પણ પાણી પાણી નિકના પગ છે. એ પલળતો બહાર ઊભો રહે છે, પણ નિક જેમતેમ કરીને ધક્કો મારી એને ડેઈઝી પાસે મોકલે છે. ૫ વર્ષે જયને ફરી એના દિલનો છૂટો પડેલો ટૂકડો પાસે દેખાય છે. ડેઈઝી પણ અચંબિત થઈ જાય છે. હથેળી અને આંખો ત્યારે બોલવાનું કામ કરતી હોય છે, જ્યારે જીભને સૂઝતું નથી હોતું કે શું કહેવું! જોકે, લફરાંબાજ પતિની ઉપેક્ષાથી અકળાયેલી અને પોતાની એકધારી બનેલી જીંદગીથી કંટાળો અનુભવતી ડેઈઝીને પણ અચાનક પોતાને ચાહતો ઈન્સાન મળે એ સરપ્રાઈઝ ગમે છે. બંને વાતોએ વળગે છે. જય ગટ્સબી ડેઈઝીને પોતાના ઘરમાં લઈ જાય છે. પરીકથાના કોઈ રજવાડી પેલેસ જેવું મકાન જોઈને ડેઈઝી તો દંગ રહી જાય છે. આલાતરીન અને બેસકીમતી રાચરસીલું, બેસુમાર ડિઝાઈનર વસ્ત્રો, એકદમ એલાઈટ અને એલીગન્ટ સજાવટ... હળવું સંગીત, સુંવાળી સોબત ઘરમાં અભિભૂત થઈને ફરતા ફરતા એ જયને પૂછે છે, 'આ બધું તેં બનાવ્યું?' અને જય કહે છે, 'ના, મેં એકલાએ નહિ. આ બધા વર્ષોમાં મારી કલ્પનામાં, મારા હૃદયમાં તો તું જ સાથે હતી. તને કેવું લાગશે એ વિચારી વિચારીને બધુ ઘડાવ્યું, સજાવ્યું છે. પસંદ ના પડે તો બદલાવી નાખું!'
પોતે જ છોડી દીધેલા પ્યારનો આ નવો અવતાર ડેઈઝીને એની એકલતા અને અભાવને લીધે તરત ફરી પસંદ પડે છે. ફરી એ વ્હાલથી જયની નિકટ આવે છે. જય તો સર્મપિત છે, એનું સર્વસ્વ, એની દુનિયા જ એની પ્રાણપ્રિય ડેઈઝી છે. એ એના ખાતર જ શ્વાસ લેતો હોય એમ જીવે છે. ડેઈઝી સામે એની દોલતનું મૂલ્ય તુચ્છ લાગે છે. એનો દબદબો એવો છે કે ન્યૂયોર્કની ફેશન મોડલ્સ કે એક એકથી ચડિયાતી રૃપસુંદરીઓ એની પાસે સામેથી આવે. જેની સામે દેખાવમાં તો ડેઈઝી કંઈ ન લાગે. પણ ના, જય પ્રેમમાં છે અને પ્રેમથી ભરી આખોથી નિહાળો, એ મેકઅપ પ્રિયજનને મોસ્ટ બ્યુટીફુલ બનાવી ેદે છે. જયને ડેઈઝીથી વધુ બ્યુટીફુલ કશું ક્યારેય લાગ્યું જ નથી.
જૂના પ્રેમીપંખીડા ફરી હળેમળે છે. એક રેશમી સાહસનો રોમાંચ બેઉના તનબદનમાં પ્રગટે છે. ડેઈઝી ઘણીવાર ચોરીછુપીથી જયની ઘેર આવતી થઈ જાય છે. સેલિબ્રિટી હોઈને જયની જીંદગી પર કંઈકની ચોર નજર મંડાયેલી રહે છે. એની 'મિસ્ટરી વુમન'ની ગોસિપ ચાલુ થઈ જતા, ડેઈઝી વિશે કોઈ ચોવટિયા ચૌદશિયાઓ ધસાતું ના બોલે, અફવા ના ઉડાડે એટલે જય પોતાના સ્ટાફને પણ છૂટો કરી દે છે. દરમિયાન એક વાર પતિ ટોમ સાથે જયની પાર્ટીમાં ડેઈઝી આવે છે, ત્યારે રૃક્ષ પણ ઉસ્તાદ ટોમને કંઈક ગરબડની ગંધ આવે છે. એ જયની પર્સનલ લાઈફ પર સંશોધન ચાલુ કરી દે છે. ડેઈઝી જયને કહે છે, ચાલો, ભાગી જઈએ. પણ જય મક્કમ છે. પ્રેમ કંઈ ગુનો નથી કે મોં છુપાવી ભાગવું પડે. બાકાયદા ડેઈઝી પતિનું ઘર છોડે, એના મમ્મી-પપ્પા પાસેથી જય એનો હાથ માંગે દુનિયાની નજર સામે અફેર નહિ, પણ વાઈફ બનાવીને સગવડ-સાહ્યબીમાં આ જ ઘરમાં રાખે!
નિક એક જ એવો માણસ છે, જે જયને સેલિબ્રિટી તરીકે નહિ, એક મૂંઝાતા, ભૂલો કરતા, પ્રેમ કરતા, પછાડાતા, લાગણીશીલ જીગરવાળા અને સાવ સરળ માણસ તરીકે જુએ છે. એ મિત્રભાવે જયને કહે છે કે ભૂતકાળ પાછો નહિ આવે. બેઉ કુંવારા હતા ત્યારે પરણવાની તક ગઈ તે ગઈ. ઘડિયાળના કાંટા ફેરવવા એમ સહેલા નથી, બહુ બળ કરો તો એ કાંટા ફરવાને બદલે આપણી પથારી ફરી જાય!
ગટ્સબી વાતવાતમાં કેટલાક રહસ્યો ખુલ્લા કરે છે, ભરોસા અને પ્રામાણિક નિખાલસતાથી એ અત્યંત ગરીબ કુટુંબનું સંતાન હતો. પણ બચપણથી સપના જોતો, ઉપર ઉઠવાના! સોળ વરસે અચાનક એણે એક કુબેરપતિને દરિયાઈ તોફાનમાં ખરાબે ચડેલી હોડીમાંથી બચાવ્યો. એ અબજાપતિ ડેન કોડીએ ભલમનસાઈના બદલામાં એને સાથે લઈ જવા ઓફર કરી. પ્રગતિનો પાસપોર્ટ માની પોતાનું ઘર મૂકીને જય નીકળી ગયો. એ શ્રીમંતે એને સારી રીતે સાચવ્યો. દુનિયા બતાવી. રીતભાત શીખવી. તાલીમ આપી. નવુ ઘડતર કરી એને ઉચ્ચ વર્ગના નબીરા જેવો બનાવ્યો. પણ એ ગુજરી જતા એની સંપત્તિ વરસદારોના નામે હોઈ, જય ફરી મુફલિસ કડકાબાલૂસ થઈને રસ્તા પર આવી ગયો.
પણ ગમે તે સ્થિતિમાં ય આશા છોડયા વિના બહાદુરીથી છેક સુધી લડી લેવાનો જયનો કુદરતી સ્વભાવ હતો. એ આર્મીમાં જોઈન થયો પેટિયું રળવા! ડેઈઝીને પહેલીવાર મળ્યો ત્યારે યુનિફોર્મમાં હોઈ એના ફાટેલા કપડાંની લાજ રહી ગઈ. પહેલા તો અનેક છોકરીની જેમ ડેઈઝીને ય ટાઈમપાસ સમજીને એ એની નજીક આવ્યો, પણ પછી એનો ટાઈમ જ ડેઈઝીના વિચારોમાં સતત પાસ થતો જોઈ એને અહેસાસ થયો કે પોતે સાચેસાચ પ્રેમમાં છે. યુદ્ધ મોરચે ડેઈઝીને કોલ આપીને ગયો કે મારી રાહ જોજે. એ ગાળામાં ડેઈઝી રઈસજાદા ટોમ બુકાનનના પરિચયમાં આવી, અને છોકરીઓના મામલે અનુભવી ટોમે ગણત્રીપૂર્વક ઊભા કરેલા ચાર્મમાં મોહી પડી. ત્યાં જ જયનો પેલો પત્ર આવ્યો. જેમાં જયે ડેઈઝીને મૂરખ બનાવવાના બદલે પોતાના વિશે સાચું લખી નાખ્યું હતું. પોતે કોઈ ઉમરાવ નહિ, પણ સંઘર્ષ કરતો કંગાળ છે એ ય કહેલું હતું જેને પ્રેમ કરો એને છેતરી કેમ શકાય? ડેઈઝી ભાંગી પડી. અને એ જ સાંજે એણે ટોમને લગ્નની હા પાડી અને જયને પડતો મૂકી ટોમને પરણી ગઈ.
ફરીવાર પછડાટ ખાધેલા જયનું એક જ લક્ષ્ય હતું. ડેઈઝીની નજરમાં પોતે કશુંક છે, એ સાબિત કરવું! એ વખતે અમેરિકામાં દારૃબંધી હતી. ગુજરાતની જેમ બૂટર્લેગિંગમાં માફિયાઓ ફટાફટ પૈસા બનાવતા હતા. જય એવા જ ક્રિમિનલ ગોડફાધર મેયર વુલ્ફશાઈમ સાથે જોડાઈ ગયો. દાણચોરીથી અમીર બન્યો, પછી એની આંજી નાખતી સોફિસ્ટિટેડ કર્ટસીથી માફિયાઓના શેર કૌભાંડોમાં ભાગીદાર બન્યો. પણ આ બધું ય પોતાના આનંદ ખાતર નહિ, ડેઈઝી માટે કશુંક બની બતાવવા! લોયલ્ટી ફોર લવ!
ખેર, જયને ફરી પોતાના સપનાનો સાક્ષાત્કાર હાથવેંતમાં હતો. એણે ડેઈઝીના ઘરે જ સામી છાતીએ મીટિંગ ગોઠવી. ડેઈઝીનો હસબન્ડ ટોમ દેશી સ્લેન્ગમાં કહીએ તો 'તૈયારઅલી' હતો. એક ગેરેજવાળાની પત્ની સાથે એનું લફરું હતું. પણ પત્નીને ઝટ જવા દે એવો ઈગો વગરનો ય નહોતો. ગરમીના એ દિવસે બધા ઘેરથી ન્યૂયોર્ક નગરની હોટલમાં ગયા. રસ્તામાં ટોમે જાણ્યું કે એની રખાત જેવી સ્ત્રીનો પતિ ગેરેજ છોડી બીજે જવાનો છે! પત્નીને પ્રેમિકા બેઉ સરકતી જતી હતી. રૃમમાં દલીલોની બરફ ઓગાળે તેવી ગરમાગરમી થઈ. જયે પારદર્શકતાથી કહ્યું કે, 'પોતે દોલતમંદ છે, પણ ઓક્સફર્ડમાં ભણેલો નથી.' એમે કહ્યું કે, 'આ તો ક્રાઈમ કરીને પૈસા કમાય છે.' જયે ડેઈઝીને કહ્યું કે, 'તું મારી સાથે ફરે છે, મારા તરફ તને જૂની અને આજે ય લાગણી છે, તો કહી દે તારા પતિને કે તે એને કદી પ્રેમ નથી કર્યો. મને જ કર્યો છે.' ટોમે ડેઈઝીને કહ્યું કે, 'બરાબર કે હું પતંગિયાની જેમ ઉડઉડ કરું છું, પણ અંતે તારી પાસે જ આવું છું ને. મારી આ બધી જ વૈભવી સુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠા તારી જ છે ને, તે સતત નહિ તો ક્યારેક તો મને પ્રેમ કર્યો જ છે ને!' નિકને એની જોડર્ન જોતા જ રહી ગયા અને ટોમે જયને કહ્યું કે, 'તારું તો ખૂન જ પછાત છે, અમારું ગર્ભશ્રીમંત ખાનદાન છે. તારા જેવા પારકી પત્નીની પાછળ પડનારાઓની હેસિયત શું?' પ્રેમના અપમાનના ગુસ્સામાં રૌદ્રરૃપ ધારણ કરતા જયને જોઈ ડેઈઝી તો ડઘાઈ જ ગઈ! અને કંઈ બોલી ન શકી.
ટોમે અનુભવી દાવ રમ્યો. ત્રિકોણના ત્રીજા ખૂણાની પરવા કરી મૂંઝવાને બદલે પોતાના ખૂણા પર જ ફોક્સ કર્યું. જય સાચા પ્રેમમાં પડેલો શિખાઉ હતો, એ દલીલોથી ડેઈઝીને સમજાવવા ગયો. ટોમે ડેઈઝીને આગ્રહ કરી હોટલેથી ઘરે જયની સાથે ગાડીમાં રવાના કરી જેથી એ જયની વાતોથી કંટાળી એનાથી વધુ અણગમો અનુભવે. એ ગાડીમાં જતી વખતે ટોમ હોઈ, વળતી વખતે એ જોઈ ટોમની પ્રેયસી પેલી ગેરેજવાળી સ્ત્રીએ દોટ મૂકી અને અકસ્માતે ગાડી નીચે ચગદાઈ મરી ગઈ. ટોમ પાછળથી ત્યાં પહોંચ્યો અને પત્નીના મોતથી દુખી ગેરેજવાળો એની જાન લઈ લે એ પહેલા એ ગાડી જય ગટ્સબીની છે એવું બોલ્યો. ગેરેજવાળાને પત્નીના ચારિત્ર્ય બાબતે શંકા તો હતી જ. એની સોય જય તરફ વગર વાંકે થઈ પોલીસ પણ 'હીટ એન્ડ રન'ની તપાસમાં લાગી.
ટોમ પત્ની ડેઈઝીને લઈને ઘરમાં ગયો. જય ઝાડીઓમાં આખી રાત એટલા માટે છૂપાઈને બેઠો રહ્યો કે પોતાને લીધે ટોમ ડેઈઝીને કશું નુકસાન કરે એની ખાતરી થાય. નિકને ખબર પડી કે કાર તો ડેઈઝી ચલાવતી હતી. ગેેેરેજવાળી સ્ત્રી ડેઈઝીના હાથે મરી. પણ એને બચાવવા જયે આરોપ પોતાના માથે લીધો. નિકે એને કામ ચલાઉ જતા રહેવાનું કહ્યું પણ જયે કહ્યું કે 'મેં ડેઈઝીને નિર્ણય લઈ બીજે દિવસે મને ફોન કરવાનું કહ્યું છે? એનો ફોન આવશે જ અને અમે નવી જીંદગી જીવીશું. હવે તો એને પારો પ્રેમ સમજાશે જ.'
નિક બીજે દિવસે ઓફિસે ગયો, અને જયને એટલું કહેતો ગયો, 'તું જેવો હોય તેવો પણ આ શહેરના તારી આગળ પાછળ ફરતા સડેલા લોકોના ટોળા કરતા તું એક અનેકગણો મૂલ્યવાન છે, મહાન છે!' જયે તો ધંધાના ફોન પણ લીધા નહોતા. સૂકા પાંદડાને ખસેડી એ સ્વીમિંગ પૂલમાં નહાવા પડયો. ડેઈઝીની કૂથલી ન થાય, એટલે સ્ટાફ તો હતો નહિ, પેલો પત્નીના મોત અને દગાથી વિહવળ ગેરેજવાળો ત્યાં આવ્યો. ત્યારે જ ફોનની ઘંટડી વાગી. એ ડેઈઝીનો હશે એમ માનીને જય ડેઈઝી બોલતો એ લેવા ગયો, ત્યાં જ પેલા ક્રોધિત ગેરેજવાળાએ પાછળથી એને ગોળી મારી, પોતે આપઘાત કર્યો! જય તત્કાળ મહોબ્બતના બદલે મોતના શરણે પહોંચી ગયો. અને પેલો ફોન તો નિકે ડેઈઝીનો ફોન આવ્યો કે નહિ એ પૂછવા કરેલો
અખબારોમાં સાવ જૂઠા સમાચારો ચમકયા. ગેરેજવાળાની પત્ની સાથે લફરુ કરી જયે એને મારી નાખી એટલે હત્યા થઈ, અને જય તો બૂટલેગર, માફિયા, શેર કૌભાંડીઓ હતો. એ જયનો મફત દારૃ પીનારા, એની પાર્ટીમાં દોડતા આવનારા સમાજે થૂથૂથૂ કર્યું. મહેમાનોથી ઉભરાતા જયની એક નજર માટે તરસતા એ જલસાઘરમાં જયના અંતિમસંસ્કાર માટે નિક સિવાય કોઈ ન આવ્યું. ડેઈઝી તરફથી તો એક શોકસંદેશનું ફૂલ પણ ના આવ્યું! નિકે એને ફોન કર્યો, ત્યારે એ બાળકી અને ટોમ સાથે વેકેશન પર જતી હતી. એણે ફોન લીધો પણ નહિ! સારું થયું ને, જય ડેઈઝીનો ફોન હતો એ જ આશામાં મર્યો, જો ફોન લીધો હોત તો ડેઈઝીનો નથી અને પ્રેમના બદલામાં જે વર્તન પરિવર્તન મળ્યું એના અહેસાસથીએ મરી જ જાતને!
જયને માટે આંસુ સાક્ષીભાવે નિકે સાર્યા. ન્યૂયોર્ક નગર પરથી એનું મન ઉઠી ગયું. એને આ સુવર્ણનું મૃગજળ લાગ્યું. બધા પૈસા ને એમાંથી મળતા પ્લેઝર પાછળ પાગલ હતા. પ્રેમ અને એમાંથી મળતા સુખની આ દંભી દૌડમાં કોઈને કશી કિંમત નહોતી. મોરાલિટીના સોદાથી સિક્યોરિટી ઝંખતો સમાજ ખુદ ક્રિમિનલ હતો, પણ સાચા પ્રેમ માટે ખુવાર જય ગટ્સબીને જ બધા ગુનેગાર ગણતા હતા! જય પાસે હોપની હેલ્પ હતી એ પ્રેમ અને આશાથી ઝઝૂમતો રહ્યો. અંતે ફના થઈ ગયો! આ કરપ્ટ જગતમાં એનું પ્રેમ ઝંખતું સપનું જ કરપ્શન ફ્રી ઓનેસ્ટ હતું, એવું નિકને લાગ્યું. જે ડેઈઝી માટે જયે આટલો ભોગ આપી તપ કર્યું. એ એને લાયક હતી જ નહિ, પણ જયે પોતાનો એટલો પ્રેમ એના પર ઠાલવ્યો હતો કે એના માટે એ અદ્ભૂત દેવી બની ગઈ હતી! પણ ડેઈઝીએ એના સાચા પ્રેમને ઓળખી એની કદર કરી જ નહોતી. જયે તો એક એક શબ્દને વળગી વફાદારીથી પ્રેમ કર્યો પણ એ પહેલી વાર એ કંગાળ છે એ જાણી ભવિષ્યની બીકે ટોમને પરણી. ટોમ એને લાયક પતિ ન હોવા છતાં, અને જયે એને ખાતર આટલું કર્યા છતાં, - જય સાથે સંબંધ રાખ્યો, પ્રભાવથી અંજાઈને - પણ ફરી સામાજિક પ્રતિષ્ઠા અને સંસારની સલામતી ખાતર કરીને જયને છોડી ટોમ પાસે ગઈ! ડેઈઝી પ્રેમ કરશે, એ ગ્રીન લાઈટની જેમ એક આભાસી અહેસાસ જ હતો, જયનો!
ક્રિમિનલ કહેવાતા, તુંડમિજાજી કે મૂર્ખ કહેવાતા ગટ્સબીમાં નિકે જે નિર્મળ પ્રેમ, વફાદારી, મૌન લાગણીનો અને છાતી પર છરી રાખીને ય સમર્પણના ગુણો જોયા, એની પાસે કહેવાતી ચમકદમક અને પ્રતિષ્ઠામાં તરબોળ બુદ્ધિમાનો અને આગેવાનો કેવા સ્વાર્થી, જુઠાડા, સગવડિયા, દગાખોર, એકબીજાનું પગથિયું બનાવી ઉપર ચડતા સંવેદનહીન છે, એ દંભ જોઈને નિક રડી પડયો. એને જગતનું પ્રેમ કરતાં પૈસાને, સચ્ચાઈ કરતા સ્વાર્થને મહત્વ આપતા ખોખલાપણાના ખાલીપાએ ઘેરી લીધો. ઝગમગ વિલાસ પાછળની નૈતિક તિરાડ એને દેખાઈ ગઈ. એ ડિપ્રેશનમાં સરી સેનેટોરિયમમાં એ જઈ ચડયો જગતની બટકણાપણા, બનાવટ અને બદમાશીથી થાકીને...!!
.
'મારા સપનામાં તું મારી જિંદગી હતી, પણ મારી જિંદગીમાં તું મારું સપનું જ રહી ગઈ'ની હૈયું વલોવીને વીંધી નાખતી ફીલિંગ આપતી આ કથા અહિયાં પૂર્ણ થાય છે .આ કહાની સાચા પ્રેમના બલિદાનની કહાની છે. 
ગમતી વ્યક્તિનો કોલ કે મેસેજ ન આવે, એ ય ચૂપચાપ આવતું ધીમું મોત છે! પ્રેમની પ્રતીક્ષા અને પરીક્ષા મિલન ન આપે તો જીવન લઈ લે છે. પ્રેમ ખરીદી તો નથી શકાતો, પણ ક્યારેક આકરી કિંમત ચૂકવવી પડે છે.
હસ્તીમલ હસ્તી કહે છે તેમ...
હોતા બિલકુલ સામને પ્રીત નામ કા ગાંવ,
થક જાતે હૈ ફિર ભી રાહગીર કે પાંવ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.