રવિવાર, 14 જુલાઈ, 2013

સત્ય - સંહિતા...

નોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે...!!

આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, 
જે સત્ય હો, તે તો સળંગ સત્ય હોય છે,
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું, 
આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે.
-ધૂની માંડલિયા

દરેક સંબંધનું એક સત્ય હોય છે. દરેક વર્તનનું એક સત્ય હોય છે. બે વ્યક્તિનાં સત્ય જ્યારે એક થાય ત્યારે જ સાત્ત્વિક પ્રેમનું નિર્માણ થતું હોય છે. પ્રેમ એટલે એકબીજાંમાં ઓગળવાની આવડત. સંબંધનું સત્ત્વ અને તત્ત્વ કેવું છે તેના પરથી જ પ્રેમની આવરદા નક્કી થતી હોય છે. કોઈ માણસ માત્ર ને માત્ર પોતાના સત્યથી કોઈને સુખી ન કરી શકે. સુખી થવા અને સુખી કરવા સામેની વ્યક્તિનું સત્ય સ્વીકારવું અને સમજવું જ પડે છે. તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે એની તમને ખબર છે? કે પછી તમારે તેને શું આપવું છે એની જ ખબર છે? તમારી તમન્ના ગમે તેટલી ઊંચી અને મહાન હશે પણ જો એ તમારી વ્યક્તિને સુખ આપી ન શકતી હોય તો એ એના માટે ક્યારેય ઊંચી કે મહાન બની શકવાની નથી.

એક પતિ-પત્નીની વાત છે. સંવેદના અને સત્યને ઝણઝણાવે એવી આ સાચી ઘટના છે. બંનેએ આખી દુનિયા સામે બગાવત કરીને લવ મેરેજ કર્યાં હતાં. બેમાંથી કોઈના પરિવાર રાજી ન હતા. કોઈની પણ પરવા કર્યા વગર બંને સાથે રહેવા લાગ્યાં. બંને નોકરી કરતાં હતાં. પગાર બહુ મોટો ન હતો પણ રહેવામાં કોઈ તકલીફ પડતી ન હતી. ભાડાનું ઘર હતું. ઘર માટે નાની મોટી વસ્તુઓ પણ વસાવી લીધી હતી. બંને પગારમાંથી પૂરું કરી લેતાં હતાં. પત્નીને થતું હતું કે જીવનમાં કોઈ જ કમી નથી. જોકે ક્યારેક પ્રેમ જ પ્રેમનું ગળું ઘોંટી નાખતો હોય છે.

એક દિવસ પત્નીએ પતિને કહ્યું કે, મેં તારાથી જુદા પડવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે નહીં કે તું મને પ્રેમ નથી કરતો, એટલા માટે નહીં કે હું તને પ્રેમ નથી કરતી, એટલા માટે કે આપણા પ્રેમનાં સત્ય બદલાઈ ગયાં છે. તારો પ્રેમ ખોટો નથી પણ જે બુનિયાદ ઉપર તેં આપણા પ્રેમનો મહેલ ઊભો કર્યો છે એની બુનિયાદ જ તકલાદી છે. પ્રેમ એવી ચીજ છે જેમાં બે વ્યક્તિનું સત્ય એક હોવું જોઈએ. બે અલગ અલગ સત્યથી એક સુખનું નિર્માણ ન થઈ શકે. તને તું ખોટો નથી લાગતો અને મને હું સાચી લાગી છું. તારા માટે પ્રેમ અને સુખની વ્યાખ્યા જુદી છે અને હું જુદી રીતે વિચારું છું. કોઈ ભાર સાથે જીવવા કરતાં જુદાં પડી જવું વધુ બહેતર છે.

આમ તો એ બંને સરસ રીતે જીવતાં હતાં. ક્યારેય ઝઘડો ન થતો. બધાંને એમ થતું કે ભલે પરિવારને નારાજ કરીને લગ્ન કર્યાં પણ બંને રહે છે તો સરસ રીતે. પત્નીને કોઈ અભાવ કે ફરિયાદ ન હતી. જે હતું એનાથી એ ખુશ હતી. જોકે પતિ બહુ ખુશ ન હતો. તેને સતત એમ જ થતું હતું કે હું પત્નીને કોઈ જ સુખ આપી નથી શકતો. નોકરી કરવા તેણે બસમાં જવું પડે છે. ક્યાંય ફરવા પણ નથી લઈ જઈ શકતો. મારે તો એને તમામ સુખ આપવું છે, દરેક મોજશોખ પૂરા કરાવવા છે, રાણીની જેમ રાખવી છે.

અચાનક જ પતિ રોજ થોડા થોડા રૂપિયા લાવવા માંડયો. પત્ની માટે રોજે રોજ નાની મોટી ગિફ્ટ લાવવા લાગ્યો. તેને ફિલ્મમાં, ફરવા અને બહાર જમવા લઈ જતો. પત્નીને પહેલાં તો એવું લાગ્યું કે ઓફિસમાંથી કંઈ ઇન્સેન્ટિવ મળ્યું હશે. જોકે ખર્ચ વધવા લાગ્યો, ત્યારે તેને થયું કે આટલા રૂપિયા એમને એમ તો ન મળે. એક દિવસ પત્નીએ પૂછયું કે આ બધું તું ક્યાંથી લાવે છે? પતિ કહેતો કે, એનું તારે શું કામ છે? તું બસ મજા કરને. હજુ તો જોતી જા, હું તારા માટે શું કરું છું. તારા માટે મેં જે સપનાં જોયાં છે એ બધાં જ મારે પૂરાં કરવાં છે. મારે તને એવી બેકાર અને કંગાળ લાઇફ નથી આપવી જેમાં રૂપિયે રૂપિયાનો હિસાબ કરવો પડે.

પત્નીને આખરે એવી ખબર પડી કે પતિ જે કંપનીમાં કામ કરે છે તેનો માલ બારોબાર વેચી દેવાય છે. કંપનીના જ અમુક લોકો આવું કામ કરે છે. રૂપિયાની લાલચે પતિ પણ એમાં જોડાઈ ગયો છે. પત્નીએ પતિને કહ્યું કે તું આ છોડી દે. પતિએ ના પાડી. હું બધું તારા માટે કરું છું. મારે તને બધું જ આપવું છે. રૂપિયા સીધી રીતે નથી બનતા. આખી દુનિયા આવા જ ધંધા કરે છે. પત્નીએ કહ્યું કે મને દુનિયાથી મતલબ નથી, માત્ર તારાથી મતલબ છે. પતિ ન માન્યો. આખરે પત્ની ઘર છોડીને અલગ એકલી રહેવા ચાલી ગઈ...!!

***


તમને ખબર છે કે તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે? કે પછી તમારે શું આપવું છે એની જ તમને ખબર છે? માત્ર પ્રેમ હોય એ જ પૂરતું નથી. પ્રેમનું પણ એક સત્ય હોવું જોઈએ. દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. ઘણી વખત આપણે કોઈનું સત્ય બદલાવી શકતા નથી, પણ આપણું સત્ય ચોક્કસ આપણે જીવી શકીએ છીએ. સાત્ત્વિકતા દરેક સંબંધ માટે જરૂરી છે. ઘણી વખત અત્યારે જે સારું લાગતું હોય એનો અંજામ સારો હોતો નથી. આપણે એ પણ તપાસતા રહેવું જોઈએ કે મારું સત્ય તો સાચું છે ને? હું તો સાચા માર્ગે છું ને ? મને તો કોઈ ખોટા માર્ગે દોરવતું નથી ને ? ખોટા માર્ગે દોરવનારા માત્ર માણસો જ હોય એવું જરૂરી નથી. તમારા ઇન્દ્રીય - અંતઃ કરણમાં ઉઠતાં આવેગો પણ તમને ખોટા માર્ગે દોરી શકે છે. 


આકર્ષણ એ સહજ થતી પ્રક્રિયા છે પરંતુ એની પાછળ દોરવાઈને મનનું કહ્યું જ કર્યા કરીએ એ ખુબ જ ગંભીર બાબત છે.

આપણે એવું ઈચ્છતા હોઈ એ  કે "હું જેવો/જેવી છું એવો/એવી જ લોકો મને સ્વીકારે..."
આવી ઈચ્છા થવી એ સ્વાભાવિક છે. પરંતુ પ્રશ્ન ત્યાં આવીને અટકે છે કે "આપણે પોતે બીજા ને તેઓ જેવા છે એવા સ્વીકારી શક્યા છીએ...?" શરૂઆત આપણા પોતાનાથી જ થાય એ ઇચ્છનીય છે. અરે બીજાની વાત જવાદો, આપણે પોતે આપણી જાતનો કેટલા અંશે સ્વીકાર કર્યો છે ? ક્યાંક ભૂલ થાય એટલે તરત જ માથે ઓઢી લઈએ કે "હું કેમ આવો / આવી છું, મારામાં તો સહેજ પણ બુદ્ધિ નથી એટલે જ આવું થયું... વગેરે વગેરે ..." પરંતુ એવું કરવા કરતા આત્મનિરીક્ષણ કરવું એ વધારે યોગ્ય રહેશે . સમયાંતરે તટસ્થ રીતે કરવામાં આવતા આત્મનિરીક્ષણથી પોતાની જાતને ચોક્કસ બદલી શકાય છે .

એક સંત હતા. એકદમ સાદું જીવન જીવે. કોઈ ઠાઠમાઠ નહીં. સાધુએ પોતાની ઝૂંપડીમાં એક મોટો અરીસો રાખ્યો હતો. દિવસમાં ચારપાંચ વખત સાધુ અરીસા સામે ઊભા રહી પોતાને જોયા કરે. અનુયાયીઓને આશ્ચર્ય થતું કે આ મહારાજને અરીસાનો શું મોહ છે? આમ તો એ ડાહી ડાહી વાતો કરે છે, સરળતા અને સહજતાનાં ઉદાહરણો આપે છે અને પોતે અરીસામાં જોયા રાખે છે. સંતને પૂછવાની કોઈને હિંમત થતી ન હતી. આખરે એક યુવાન અનુયાયીથી રહેવાયું નહીં અને તેણે પૂછી નાંખ્યું કે મહારાજ બધું છોડી દીધું પછી આ અરીસાનો મોહ શા માટે?

સંત હસવા લાગ્યા. તેણે કહ્યું, તારી વાત સાચી છે. મને અરીસાનો મોહ છે. હું આખા દિવસમાં ઘણી વાર અરીસો જોઉં છું. હું એટલા માટે અરીસો નથી જોતો કે હું કેવો દેખાઉં છું. હું તો એ જોવા માટે અરીસામાં જોઉં છું કે હું જેવો અંદર છું એવો જ બહાર છું ને? કે પછી જેવો બહાર છું એવો જ અંદર છું ને? આ અરીસો મારી સાધનાનું સાધન છે. જે મને મારાથી દૂર જવા દેતું નથી. આપણે અંદરથી જુદા હોઈએ છીએ અને બહારથી જુદા. બહારથી દેવ દેખાતા હોઈએ છીએ અને અંદરથી દાનવ. રાક્ષસને પણ જો એ ભાન હોય કે હું રાક્ષસ છું તો એ વાત પણ મોટી છે. અભિમાની માણસને જો એ ભાન હોય કે પોતે અભિમાની છે તો એ પણ મોટી વાત છે. કમસે કમ એને પોતાની ઓળખ તો છે. આપણે તો આપણી જાત સાથે જ 'ડબલ ગેમ' રમતા હોઈએ છીએ. તું પણ અરીસો જો, ત્યારે એ વિચારજે કે અંદર અને બહારનું બેલેન્સ તો બરાબર છેને?

દરેક માણસની પોતાની એક બુનિયાદ હોવી જોઈએ, પોતાનું એક સત્ય હોવું જોઈએ, પોતાનું એક સત્ત્વ હોવું જોઈએ અને પોતાનું એક તત્ત્વ હોવું જોઈએ. તમારું સત્ય તમારી વ્યક્તિ સાથે મળે છે? પ્રેમના સત્યનું પણ લોહી જેવું છે, જો બ્લડ ગ્રૂપ સરખું ન હોય તો લોહી ચડતું નથી, પ્રેમનું સત્ય જો સરખું ન હોય તો પ્રેમ ટકતો નથી. અસમાન સત્ય વાળો પ્રેમ સમયાંતરે આપણી જ સામે બાંયો ચડાવશે અને કહેશે કે, " કેમ ? કેમ મને તું તારા બીબાંમાં ઢાળવાનો પ્રયાસ કરે છે ? હું તો હંમેશા નિર્બાધપણે છૂટથી વહેવામાં માનું છું અને તું આવીરીતે મને બાંધી રાખે એ કેમ ચાલશે ? હું હંમેશા મુક્ત હતો, છું અને રહેવાનો છું. એમાં તારો ચંચુપાત નહિ ચાલે...!! પેલા મને સારી રીતે ઓળખ અને પછી મને પામવાનો પ્રયાસ કર...!! આમ ગમે ત્યારે ગમે તેની સાથે તારા મનને જોડીને તું એ બાબત ને મારું નામ ન આપીશ...!! હું તો તને ઘણી જગ્યાએથી વહેતો જોવા મળીશ, ક્યારેક કોઈકનાં સાથમાં, તો ક્યારેક કોઈકની આંખમા, ક્યારેક કોઈકની વાતમાં તો ક્યારેક કોઈકનાં સંગાથમાં... તારા કોમળ અને ઋજુ હૃદયથી તું મને બધી જ જગ્યા એ જોઈ શકીશ પણ એનો અર્થ હરગીઝ એવો નથી કે એ તમામ સ્વરૂપે તારે મને પામી લેવો... તારું પોતાનું સત્ત્વ અને તારું પોતાનું તત્ત્વ સમજીને પછી જ તું કોઈ એક જગ્યા એ જોડાઇશ તો તને હું તું છો ત્યાંથી ઘણો જ ઉપર ઉઠાવીશ અને મુક્ત ગગનનું મસ્ત પંખી બનાવી દઈશ..."

છેલ્લી વાત :
દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો પણ જીતી નહીં શકો...!!


મારી વાત :
ક્યારેય પોતાના પ્રિય પાત્ર પાસે કોઈ પણ બાબત ની જીદ ના કરશો,
જીદ કરવાથી તમારા મનની વાત સિદ્ધ થઇ જાશે, 
પણ 
તમારા પ્રિય પાત્રનાં મન પર કેવી વિપરીત અસર પડી શકે છે એ વાત તો કલ્પના બહાર ની છે .

_/\_

9 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાતજુલાઈ 15, 2013

    હીરે મોતી મે ના ચાહું,
    મે તો ચાહું સંગમ તેરા...
    મે તો તેરી સૈયા
    તું હે મેરા......
    નીરવભાઈ તમારા લેખમાં કઈક દર્દ છુપાયેલું અનુભવાય છે.
    .
    આપનો એક (અ)નિયમિત (અ)વાચક...

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાતજુલાઈ 15, 2013

    આપે આ પોસ્ટ નાં મથાળે લખ્યું કે "મારી છેલ્લી પોસ્ટ..."
    આપની આ પોસ્ટ ને છેલ્લી પોસ્ટ ના બનાવશો.
    આપનામાં રહેલા લેખકને દુનિયા સમક્ષ મુકવા માટે અમે આપના બ્લોગ ને "The Best Gujarati Blogs" માં સ્થાન આપ્યું છે.
    આપના વિચારો સુંદર છે.
    આપની પોસ્ટ પર થી એવું લાગે છે કે આપ કોમળ અને ઋજુ સ્વભાવના હશો.
    .
    નીરવભાઈ,
    જીવનમાં જો ચડાવ ઉતાર ના આવે તો જીવન જીવવાની માજા જ ન આવે.
    એ ઉતાર ચડાવ થી ગભરાઈ ને આપણી પસંદગીની પ્રવૃત્તિ બંધ કરી દેવી કેટલા અંશે યોગ્ય ગણાશે ?
    સારો સમય આવવામાં છે...
    લાગ્યા રહો.
    .
    નેટ જગત ટીમ.
    .
    તા.ક. આપને વિશ્વાસ આવે એ માટે અહિયાં લીંક મુકું છું. ત્યાં આપેલ લીસ્ટમાં આપ આપના બ્લોગ નું નામ જોઈ શકશો. http://netjagat.wordpress.com/list-of-bloggers-alphabetically/

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાતજુલાઈ 15, 2013

    અલ્યા શું થયું ?
    કેમ આ પોસ્ટ ને છેલ્લી કહી દીધી ?
    એમ કાઈ એટલી બધી ખરાબ નથી....!!!
    .
    Anyways,
    First of all many many congratulations to you that your blog has been selected in the list of "The Best Gujarati Blog".
    યાર હું તો એ લીંક પર જય ને જોઈ આયો,
    તારું નામ અને તારો બ્લોગ સાચ્ચે જ ત્યાં લખ્યા છે.
    તું લખવાનું બંધ નઈ કરીશ યાર.
    ચાલુ રાખજે હો બકા...
    ચલ આટલું ઘણું.
    બીજું પછી ક્યારેક કઈશ... :) :)

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાતજુલાઈ 17, 2013

    અલ્યા...
    આ તે ત્રાંસા (Italic) અક્ષરો માં જે કાઈ લખ્યું છે એ તો સીધે સીધું દિલમાં ઉતારી ગયું ...!!
    પણ બકા આને તું તારું છેલ્લું આર્ટીકલ નઈ બનાવી દેતો.
    બોવ સારું લખે છે. ચાલુ રાખજે.

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાતજુલાઈ 17, 2013

    Many Many Congratulations Nirav.
    Your blog has been selected in the list of "The Best Gujarati Blog".
    Very Good.
    Keep it up.
    This article is superb.
    No words can explain the feelings behind this.
    Keep it up.

    જવાબ આપોકાઢી નાખો
  6. અજ્ઞાતજુલાઈ 17, 2013

    તારી સાથે વાત કરવી
    નથી ગમતી
    આજ-કાલ.

    ‘કેમ છે?’
    એવું તું પૂછી લઈશ તો ?
    હું શું જવાબ આપું?

    હું ગમે એ કહું,
    પણ મારા અવાજની ધ્રુજારીમાં
    જે મારે નથી કહેવું

    એ તું સાંભળી જ લઈશ
    એટલે જ હું કશું બોલતી નથી..
    પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.

    કશું પૂછતો જ નથી
    બસ, મારો હાથ પકડી લે છે,
    અને કહે છે -
    મારી આંખો માં જો..!

    જવાબ આપોકાઢી નાખો
  7. નમસ્કાર!
    આપનો બ્લોગ ”Niravr Jani” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    જવાબ આપોકાઢી નાખો
  8. આપના પ્રતિભાવ માટે આપનો આભાર અને આપના બ્લોગ પર ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડળની લિંક મૂકવા બદલ આપનો ખૂર ખૂબ આભાર
    -ગુજરાતીલેક્સિકોન ટીમ

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.