'અન્ય વ્યક્તિના પ્રેમમાં પડવું સહેલું છે પરંતુ પોતાની જાતના પ્રેમમાં પડવું અઘરું છે'
મને ખબર છે કે આ વાક્ય કેટલું સ્ફોટક છે કારણ કે આ વાંચતા જ મોટાભાગની વ્યક્તિઓનો પ્રતિભાવ એવો હશે કે
'હોતું હશે કંઇ ?!
પોતાની જાત કરતા અન્યના પ્રેમમાં પડવું કેવી રીતે સહેલું હોઇ શકે !!'
ચાલો હું મારો તર્ક રજુ કરું.
સંમત થાવતો એ દિશામાં ચિંતન કરજો અને ના થાવ તો જવા દો પસ્તીમાં...
તમે અન્ય કોઇ વ્યકિતના પ્રેમમાં પડો છો ત્યારે તેના વ્યક્તિત્વના નકારાત્મક પાસા
અને સ્વભાવની વિષમતાઓથી અજાણ હોવ છો અથવા જાણતા હોવા છતાં લાગણીઓની મોહાંધ દશા (ઇન્ફેચ્યુએશન) માં
તેને નજરઅંદાજ કરો છો.
કદાચ આ જ કારણોસર સહેલાઇથી પ્રેમમાં પડી શકો છો
પરંતુ જ્યારે સાથે રહેવા માંડો ત્યારે આ જ નકારાત્મક બાબતો અને સ્વભાવની વિષમતાઓ ખટકવા માંડે છે.
આ સંજોગોમાં કયાંક તો મનોમન અફસોસ થયા કરે કે લાગણીઓના આવેશમાં ખોટો નિર્ણય લેવાયો અને જો પ્રામાણિકતાથી પોતાનો નિર્ણય ખોટો હતો એવું ના સ્વીકારી શકીએ તો સાથીનો સ્વભાવ-વર્તન બદલાઈ ગયું છે તેવી ફરિયાદો કર્યા કરીએ.
બીજી બાજુ આપણે આપણા નકારાત્મક પાસાઓ,
સ્વભાવની વિષમતાઓ કે મર્યાદાઓ વધુ ઓળખતા હોઈએ છીએ.
અલબત્ત સ્વીકારીએ તો !
સ્વાભાવિકછે જાતના પ્રેમમાં પડવામાં ઘણું આડું આવે.
કમનસીબી તો એ હોય છે કે આપણી જે બાબતોને અન્ય કોઇ ચાહતું હોય તે પણ આપણને તો સામાન્ય જ લાગતી હોય છે.
અન્યની જેમ આપણે આપણી નબળાઈઓને મોહાંધ બનીને સહેલાઇથી અવગણી નથી શકતા.
પરિણામે જેટલી તીવ્રતાથી અન્યને ચાહીએ તેટલી તીવ્રતા જાત પ્રત્યેની ચાહતમાં અનુભવાતી નથી.
હવે આનાથી'ય વધુ સ્ફોટક વિધાન કરું 'પોતાની જાતને પ્રેમ કર્યા વગર અન્ય વ્યક્તિનો પ્રેમ પોતાની તરફ ટકાવી રાખવો અઘરો છે.'
જેમ તમે કોઇને મોહાંધ બનીને ચાહી શકો છો તેમ બીજું કોઈ પણ તમને એ જ રીતે ચાહી શકે છે.
પરંતુ, સમયની સાથે મોહ કે આકર્ષણ લુપ્ત થાય છે તે સંજોગોમાં જે તે વ્યકિતની તમારી તરફની ચાહતનો સૌથી મોટો આધાર તમે તમારી જાતને કેટલી ચાહો છો એની ઉપર હોય છે.
જો તમને તમારી જાત ઉપર પ્રેમ ના હોય, તમારા વર્તન, વ્યવહાર કે વાણીમાં જાત પ્રત્યે તિરસ્કાર કે અવગણના વ્યક્ત થતી હોય તો સ્વાભાવિક છે કે બીજી વ્યક્તિઓ પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરે.
.
ક્યારેક વિચારી જોજો,
સાચું લાગશે...!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.