બુધવાર, 20 નવેમ્બર, 2013

'રામ-લીલા' - જય વસાવડા

રામજી કી લીલા હૈ ન્યારી...!!


'રામલીલા'માં આગોતરી ખબરદારી થઇ અને સંજય ભણસાલીએ જ્ઞાાતિઓ અને લોકેશન્સના વાસ્તવિક નામો કાઢી નાખવા પડયા, એ ખરેખર સારૃં જ થયુ છે. જો રાખ્યા હોત તો બહુ વિચિત્ર, એબ્સર્ડ લાગત. કારણ કે સંજય ભણસાલી શ્વેત શ્યામ- વાસ્તવમાં કલ્પનાની પીંછી ફેરવીને એક ફેન્ટેસી ઓપેરા જેવું મ્યુઝિકલ સર્જે છે, એ દુનિયા ત્રિશંકુ જેવી હોય છે- ધરતી અને સ્વર્ગ વચ્ચેના આકાશમાં! ના પૂરી ઇમેજીનેટિવ, ના પુરી રિયલ! એટલે એમની પાછોતરી ફિલ્મો કોઇ એક નગર કે એક જાતિની નથી. એમાં સેંકડો ક્રોસ- કલ્ચરલ, ઇન્ટરનેશનલ રેફરન્સીઝની સ્વાદિષ્ટ અને મેઘધનુષી ભેળપુરીનો ચટાકો આવે છે.
'એક લડકી દો દેખા'ના પિકચરાઇઝેશનથી કરિઅર શરૃ કરનાર સંજય ભણસાલીની તમામ ફિલ્મોના પ્લોટનું મૂળિયું બહાર હોય છે. ખામોશી (કોશિશ), હમ દિલ દે ચૂકે સનમ (ન હન્યતે) દેવદાસ (દેવદાસ), બ્લેક (મિરેકલ વર્કર), સાંવરિયા (રશિયન વ્હાઇટ નાઇટ્સ), ગુઝારિશ (સ્પેનિશ સી ઇનસાઇડ) અને હવે બઝ લુહરમાન એન્ડ બ્રોડવે સ્ટાઇલ રોમિયો એન્ડ જુલિયેટની રામલીલા! પણ સંજયભાઇ બેનમૂન ભરતકામ કરી એમાં અવનવા તાણાવાણા ગુંથીને એક-એક ફ્રેમ પર પોતાનો સ્ટેમ્પ છોડે છે અને પ્રેક્ષકની આસપાસ એક માયાવી સંસારની કમાલ ઇન્દ્રજાળ ઉભી કરે છે. આ સંગીતપ્રેમી સર્જકના નેરેશનમાં ગીતનો લય, કવિતાનો પ્રવાહ અને તાલની ગતિ હોય છે.
'રામલીલા'માં ભલે 'હમ દિલ દે ચૂકે સનમ' ની ઇન્ટેન્સિીટી નથી, પણ 'ગુઝારિશ' નું બોરડમ પણ નથી. ભપકાદાર દેવદાસ પછી ઓફબીટ 'બ્લેક'  બનાવનાર સંજય ભણસાલી ફકત પૈસા કમાવા ફિલ્મો બનાવે એવા સર્જક નથી, પણ કમાયેલા  પૈસાને બેફામ ખર્ચીને કેમેરાથી કેન્વાસ પર રૃપાળી રંગોળી પૂરતા હોય એવા દ્રશ્યો મઢવા ફિલ્મો બનાવે છે. પેઇન્ટરની જેમ ઝીલેલા સાઉન્ડસ ને સાઇટ્સની ઇમ્પ્રિન્ટસ ફિલ્મમાં ગુંથી લે છે. 'રામલીલા'ની એકએક ફ્રેમમાંથી ગુજરાતની ખૂશ્બૂ આવે છે, ગુજરાતી લોકસંગીત તાજી ન્હાઇને બહાર આવેલી સુંદરીના વાળમાંથી પાણીના બિંદુઓ ટપકે એમ નીતરે છે. બે વિરહી પ્રેમીઓને લીલાવતાર હનુમાનના સિમ્બોલથી લઇ ગુજરાતી પાનિયા બેકડ્રોપમાં તેજલિસોટા પાડે છે. જો કે સુપ્રિયા પાઠક કે દીપિકાના કોસ્ચ્યુમમાં રાજપૂત, આયર, મેર, રબારી તમામ પ્રકારની પ્રેરણાની ખીચડી જોઇ રાજાડી- સનેડાની કાલ્પનિક ટ્રાઇબ્સ ઉભી કરી એ જ બરાબર થયું. વાયોલન્સ ભલે ફિલ્મમાં પ્રગટ દેખાડયું એટલું ન હોય, પણ આપણી અંદર ધરબાયેલું કેટલું છે એ તો આ ફિલ્મના વિવાદોમાં જ ઉઘાડુ પડી ગયુંને!
'રામલીલા' આમ તો ઉપેન્દ્ર ત્રિવેદી / નરેશ કનોડિયાની ઘણી ગુજરાતી ફિલ્મોના સેટઅપની જ આર્ટિસ્ટિક રિમેક લાગે! (ફિરોઝ ઇરાની બ્રાન્ડ બળાત્કાર માટેની ચેઝ પણ છે!) પણ એમાં અપરંપાર કળા-સાહિત્યના ઘોડાપૂર બેકાંઠે ઘૂઘવે છે. રોમિયો જુલિયેટની પેલી વર્લ્ડ ફેમસ બાલ્કની સિકવન્સ અહીં ગહેકતા મોરલાને ઝળુંબતા ઝરૃખાથી ચંદરવામાં આભલા જડયા હોય એવી ઝગમગે છે. શેકસપિયરના અમુક સંવાદો અને રોમિયાના મરવાની (રામ અહીં રોમિયો પરથી છે, લીલા જુલિયેટ! ફેનેટિક નહિ પણ ફોનેટિક ઉચ્ચારો!) જૂઠી ખબરવાળી સિચ્યુએશન પણ છે.
ફિલ્મ સેટિંગ અને કોસ્ચ્યુમ્સના છપ્પનભોગ જેવી છે. રાજા રવિવર્માના ચિત્રો અને સંસ્કૃતના શ્લોકો તથા હસ્તપ્રતોની ઓળીયા જેવી છાપ, હનીમૂનમાં વાગ્દેવી સરસ્વતીની શૃંગારછાયા, વેલબુટ્ટા ને ઝરૃખા, વીસનગરની દીવડી અને ભાલપંથકના ઘડૂલા, સંખેડા ને મોતીડાં... અહાહાહા... અને બેકગ્રાઉન્ડમાં સતત ઉડતા ગુજરાતી ગીતોના ફુવારા! પંજાબી- રાજસ્થાની- બંગાળી- તમિલ કલ્ચરમાં ગળાબૂડ બોલીવૂડને જાણે કોઇએ ગુજરાતી પતંગિયાની પાંખોના રંગોમાં ઝબકોળીને ચમકાવ્યુ છે! કડકડતા લસણ- મરચાંના વઘારમાં ડુંગળી ટમેટાવાળો રીંગણાનો ઓળો શેકયો હોય એવા તમતમતા સંવાદોની છાકમછોળ છે. સેકન્ડ હાફમાં અમુક ફનીને પ્રેડિકટેબલ ટર્ન્સમાં એ લથડે છે ખરી, પણ પૂરી સલામી સાથે ટાઇટલ્સમાં જ મન મોર બની થનગાટ કરે ને વિશ્વકક્ષાએ ગુંજતું સાંભળો- એમાં જ આખી ટિકિટ વસુલ છે! વાહ ઓસ્માણ મીર. ગીતો તો બધા રાવણહથ્થાના જંતરડાના સૂરે આંતરડામાં આંટી પાડે એવા લાજવાબ છે.
ઇટ્સ ઓલ એબાઉટ રિયલ પેશનેટ રોમાન્સ. કાર્નેલ લવ. જંગલી, તોફાની, વાઇલ્ડ, ચાઇલ્ડ જેવા શારીરિક આવેગોથી ચુસ્ત અને પસીનાની આદિમ ગંધથી  મહેકતા ફેટલ એટ્રેકશનન! લવ!
આખી એક યાત્રા છે, બેફામ લસ્ટથી ગુલફામ લવ સુધી પહોંચવાની. જીન્સી આવેશ કયારે વિયોગની તડપમાં શેકાતો પ્રેમયોગ બને છે, એની ખુદ પ્રેમીઓને પણ ખબર નથી રહેતી! એકબીજામાં ઓગળવા તત્પર ઝનૂન, એકબીજાથી અળગા થઇ પ્રીત બને છે ટીલડી અને ટવીટર, કમખો અને કલાશ્નિકોવનું મેજીક રિયાલિઝમ સંજયે અમુક કલેજું કોતરીને મીનાકારી કરી લેતા દ્રશ્યો સાથે મઢયુ છે. ગરબાની અસલી હીંચ અને સૂક્કાં મરચાંની રતાશ, અંજારી સૂડી ને મે'હાણી છકડો- અને કોઇ છોછ વિના મુનશી- મેઘાણી- અશ્વિની ભટ્ટના પાત્રોની જેમ ચૂમતા વળગતા રામ-લીલા! છતાંય મન મળ્યા ને તન અળગા!
કોઇ જેન્ડર બાયસ વિના રણવીર અને દીપિકા બેઉની ઘાટીલી છાતી બતાવતી 'રામલીલા' રણવીર સિંહ અને દીપિકાની કારકિર્દીનો માઇલસ્ટોન છે. લોકલાજની કેદમાં ઘુંટાતો રણવીર, નિરાશાની કુંડમાં ડુબતો રણવીર, કામજવરના ધૂળમાં ગરમ દીપિકા, દોડતી સ્ત્રી સાથે સરકતો ઘડો, લીલી બેલડી ને નાગરવેલ... સંજયે પણ માઇકલ એન્જોલ વીનસને ઘડે એમ દીપિકાના સોંદર્યને પડદામાંથી રંગોની સાથે સોનાના ઘડૂલામાંથી છલકાતુ હોય એવુ નિખાર્યુ છે! ભણસાલી ફાઇનલી કેમ બેક ટુ રૃટ્સ, લિટરલી. ગુજરાત અને રોમાન્સના મૂળિયા! 'રામલીલા'. ત્રણ કલાકમાં સ્વર્ણિમ ગુજરાતનો રૃપેરી પડદે મોરપીંછમાં મઢેલો વેસ્ટર્ન ઓપેરાનો કળશ છે! યે લાલ ઇશ્ક, યે કમાલ ફિલ્મ...!!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.