સમર્થ ગુરુ રામદાસ પોતાના તમામ શિષ્યોમાંથી છત્રપતિ શિવાજીને અધિક ચાહતા હતા. બાકીના શિષ્યો ઘણીવાર અંદરોઅંદર વાતો કરતા કે શિવાજી સમ્રાટ છે એટલે ગુરુજી એને આપણા બધા કરતા અધિક ચાહે છે. સ્વામી રામદાસને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે એમણે શિષ્યોનો ભ્રમ દુર કરવાનું નક્કી કર્યુ.
એકદિવસ સ્વામી રામદાસ શિવાજી સહીતના બધા શિષ્યો સાથે જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. સાંજ પડવા આવી એટલે જંગલમાં જ એક સુરક્ષિત જગ્યાએ રાત્રી રોકાણ કર્યુ. ભોજન લઇને બધા સુઇ ગયા અને થોડીવારમાં સ્વામી રામદાસનો કણસવાનો અવાજ સંભળાવા લાગ્યો. બધા શિષ્યો જાગી ગયા. અને ગુરુજીને કણસવાનું કારણ પુછ્યુ તું રામદાસજીએ જણાવ્યુ કે તેમને પેટમાં દુખાવો ઉપડ્યો છે. બાકીના શિષ્યો ગુરુજીને કણસતા જોઇ રહ્યા પરંતું શિવાજીએ પુછ્યુ , ગુરુજી આપનો આ પેટનો દુખાવો મટાડવાનો કોઇ ઉપાય ખરો ?”
ગુરુજી એ કહ્યુ , “ જો થોડુ સિંહણનું દુધ દવા તરીકે લેવામાં આવે તો આ દુખાવો મટી જાય.”
શિવાજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એક પાત્ર લઇને રવાના થઇ ગયા અને થોડા સમય પછી એ પાત્રમાં સિંહણનું દુધ લઇને પરત આવ્યા.
પોતાના જાનની પરવા કર્યા વગર ગુરુજી માટે દુધ લાવેલા શિવાજીને જોઇને સ્વામી રામદાસે બાકીના શિષ્યોને કહ્યુ , “ જુવો બધા, આ શિવો પોતાના જીવ પર ખેલીને મારા માટે સિંહણનું દુધ લાવ્યો. હવે તમને સમજાયુ કે શિવા પ્રત્યે મારો સ્નેહ અધિક કેમ છે ? મને પેટમાં કોઇ દુખાવો નથી આ તો માત્ર તમારી ભ્રાંતિ દુર કરવાનો મારો પ્રયાસ હતો. મને લાગે છે કે હું મારા પ્રયાસમાં સફળ રહ્યો છું.”
ઉપસંહાર :
કોઇનો પ્રેમ પ્રાપ્ત કરવો હોઇ તો જાત સમર્પિત કરવી પડે. જેનું શિષ્યત્વ સ્વિકાર્યુ હોય એવા ગુરુને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર બીજા શિષ્યો કરતા કંઇક અધિક પ્રાપ્ત કરે છે હા શરત માત્ર એટલી છે કે ગુરુ લાયક હોવા જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.