પશ્ચિમના કોઇ દેશમાંથી એક યુવાન બાણવિદ્યા શિખવા માટે ભારત આવ્યો. ભારતના બાણવિદ્યાના નામાંકિત શિક્ષકનો એણે સંપર્ક કર્યો અને કહ્યુ કે મારે આપની પાસેથી બાણવિદ્યા શિખવી છે. પેલા શિક્ષકે આ યુવાનને એટલું જ કહ્યુ કે બાણવિદ્યા શિખવા માટે સૌથી મહત્વની બાબત નિરિક્ષણ છે. હું વિદ્યાર્થીઓને શિખવી રહ્યો છું તું નિરિક્ષણ કર.
ગુરુજી રોજ પોતાના વિદ્યાર્થીઓને બાણવિદ્યા શિખવે અને આ પશ્ચિમમાંથી આવેલો યુવાન એ ધ્યાનથી જુવે. ધીમે ધીમે એને સમજાવા લાગ્યુ કે બાણ કેમ ચડાવવાનું , પણછ કેમ ખેંચવાની, ક્યાં સુધી ખેંચવાની, વગેરે. એણે પોતે હવે નિશાનને પાર પાડવા માટે પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહ્યો. ગુરુજીએ માત્ર એટલું જ કહ્યુ કે બેટા હજુ વધુ નિરિક્ષણ કરવાની જરુર છે.
યુવાન વધુ પ્રેકટીસ કરવા લાગ્યો અને એક દિવસ એણે નિશાન પાર પાડ્યુ એ તો એકદમ રાજી થઇ ગયો અને નાચવા કુદવા લાગ્યો. ગુરુજી પાસે જઇને કહ્યુ કે મને હવે બાણવિદ્યા આવડી ગઇ છે હું નિશાન પાર પાડી શકુ છું. ગુરુજી એ કહ્યુ કે ચાલ મને પ્રેકટીકલ કરીને બતાવ એમ કહીને ગુરુજીએ નિશાન જે જગ્યાએ હતું તે બદલ્યુ. પેલા યુવાને હાથમાં બાણ લીધુ અને નિશાન તાકતો હતો ત્યાં જ ગુરુજી બોલ્યા કે તને બાણવિદ્યા આવડતી જ નથી હજું તું નિરિક્ષણથી કંઇ જ શિખ્યો નથી.
યુવાન મુંઝાયો કે હજુ તો મે નિશાન પાર પાડ્યુ પણ નથી ત્યાં તો ગુરુજીએ એમ પણ કહી દીધુ કે તને બાણવિદ્યા આવડતી પણ નથી. એણે નિશાન તાક્યુ પણ તીર નિશાના પર ના લાગ્યું. એ વિચારમાં પડી ગયો કે બાકીના બધા જ વિદ્યાર્થીઓ સારી રીતે નિશાન પાર પાડી શકે છે મારાથી જ કેમ નથી થતું ? એણે વધુ એકાગ્રતા સાથે નિશાન તાકી રહેલા ગુરુજી અને અન્ય વિદ્યાર્થીઓનું નિરિક્ષણ કરવાનું નક્કી કર્યુ.
થોડા સમય બાદના એકાગ્રતાપૂર્વકના નિરિક્ષણથી એને સમજાઇ ગયુ કે એ લોકો શા માટે નિશાન તાકવામાં સફળ જાય છે. યુવાને ગુરુજીને કહ્યુ કે હવે મને પણ સમજાઇ ગયુ છે અને હું પણ નિશાન તાકી શકીશ. ગુરુજીએ એને નિશાન તાકવા માટે કહ્યુ. યુવાને હાથમાં બાણ લીધુ અને નિશાન તાક્યુ ત્યાં જ ગુરુજી બોલ્યા , “ શાબાસ, બેટા હવે તને બાણવિદ્યા આવડી ગઇ છે.” એ યુવાનને હવે સમજાયુ કે નિશાન તાકતી વખતે સૌથી મહત્વનું તમે કેવા રીલેક્સ છો એ છે જો તમે ચિંતામુક્ત બનીને રીલેક્સ મુડમાં નિશાન તાકો તો ચોક્કસ તે નિશાન પાર પડે જ એમા શંકાને કોઇ સ્થાન નથી.
ઉપસંહાર :
આપણે પણ આપણા જીવનમાં ઘણાબધા નિશાન તાકવાના છે. આ નિશાન તાકતી વખતેનું વાતાવરણ કેવું છે એ મહત્વનું છે. જ્યારે જીવનના આ ધ્યેયોને પાર પાડવા માટેના પ્રયાસો કરીએ ત્યારે આપણે શાંત અને ચિંતામુકત બની શકીએ છીએ ? જો જવાબ હા હોઇ તો આપણને પણ નિશાન પાર પાડવાની ચાવી મળી ગઇ છે.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>*__*<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.