બુધવાર, 1 જાન્યુઆરી, 2014

ચાણક્ય નીતિ 1


[1]
अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम ।
नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।।
[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]
અત્યંત ક્રોધ, કટુ વાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા –નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.
[2]
आयुः कर्म च वितं च विधा निधनमेव च ।
पचैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।
[ આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.]
જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.