શનિવાર, 4 જાન્યુઆરી, 2014

ચાણક્ય નીતિ 4


[7]
गुणाः सर्वत्र पूजयन्ते न महत्योडपि सम्पदः ।
पूर्णेन्दु किं तथा वन्घो निष्कलड्को यथा कृशः ।।
[ દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું. ]
તેનો ભાવાર્થ એ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે.
[8]
न निर्मितः केन न दष्टपूर्वः न श्रूयते हेममयः कुरड्रः ।
तथाडपि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः ।।
[ આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.]
ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.
[9]
परोपकरणं येषां जागर्ति हृदये सताम ।
नश्यन्ति विपदस्तेषां सम्पदः स्युः पदे पदे ।।
[ જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે.]
ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.
[10]
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोतरदायकः ।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः ।।
[ દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.]
પતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલે ને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટ પત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. કહેવાય છે કે જેને સાચો મિત્ર મળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી ? મન-કમને સુખમાં તો બધા ગુણગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડે તે જ સાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢ ફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે. સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખ મારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ.
લોક-વ્યવહાર અને રાજનીતિનાં રહસ્યોને સરળ ભાષામાં સમજાવતી વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘ચાણક્ય નીતિ’ના પુસ્તક ‘સંપૂર્ણ ચાણક્ય નીતિ’માંથી સાભાર. 
પુસ્તક ની વિગત
કુલ પાન : 174.
કિંમત રૂ. 75/-
પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ.
ફોન : +91 79 25506573.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.