મંગળવાર, 5 મે, 2015

બોધકથા - 2

આજની બોધકથા. (2)



આજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી તંત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે.

         એક ખુબ વિશાળ અને એકદમ ઘાટું જંગલ હતું. તે જંગલ માં સિંહ, વરુ અને શિયાળ ખુબ જ સારા મિત્રો હતા. હંમેશા સાથે જ શિકાર કરતા અને પેટ ભરતા. પણ સ્વભાવ મુજબ સિંહને જંગલનો રાજા હોવાનું અભિમાન હતું. અને તેથી જ એ દોસ્તીમાં સિંહની ખુશી કે કૃપા જ દોસ્તી ટકવા કે વિકસવામાં પાયારૂપ હતા.

          એકવાર સિંહે ગધેડો-હરણ અને સસલાનો શિકાર કર્યો,
          અને વરુને પૂછ્યું કે "આની ભાગબટાઈ કેવી રીતે કરીશું ?"
          વરુ એ 'મિત્રતા' અને 'કદ' ને નજર સમક્ષ રાખી એકદમ વ્યવહારુ સલાહ આપી અને કહ્યું કે "મહારાજ, તમે ગધેડો, હું હરણ અને શિયાળ સસલું રાખી લે..." 

          જોહુકમી નેતાઓ ક્યારેય વ્યવહારુ સલાહ ને સહન જ નથી કરી શકતા, કારણ કે એમને તો હા જી હા કરનારા જ ગમે. અને તેથી જ સિંહે વરુ ની આ સોના જેવી સાચી અને વ્યવહારુ વાત થી ગુસ્સે ભરાઈ ને વરુ ને એક પંજો મારી ને ખતમ કરી નાખ્યો. પછી એ જ વાત શિયાળ ને પૂછી - શિયાળે સત્યનાં શું હાલ થાય છે એ નજરે જોયું હતું - એટલે એ તરત જ બોલ્યું,

          "મહારાજ, સવારે શિરામણમાં સસલું લેજો, ભોજનમાં ગર્દભ (ગધેડો), વાળું માં વરુ અને વરાંઠડી (મોડી રાત્રિનું જમણ) માં હરણ લેજો. હું તો તમારું વધ્યું-ઘટ્યું 'પ્રસાદ' રૂપે લઈશ...!!!"
          
          રાજા સિંહને શિયાળની વાત ગમી તેથી ધન્યવાદ આપ્યા અને શિયાળની બઢતીની વાત પણ કરી અને ઉપરથી તેના સીઆર પણ સારા ભર્યા...

          આજકાલ શિક્ષકો અને પટ્ટાવાળાઓ પણ આચાર્યનાં 'સારા' સ્વભાવને કારણે તેમને સાચી સલાહ નથી આપી શકતા. અને આચાર્યની 'હા માં હા' અને આચાર્યની 'ના માં ના' કરતા રહેવું પડે છે. કેમ કે એવું ન કરે તો તેને 'ટકવું' મુશ્કેલ થઇ પડે...!!

ખાસ સુચન : કોઈને લાગતું વળગતું હોય તો પોતાની જાતે જ 'ટોપી પહેરી લેવાની' છૂટ. બીજા એ સિરિયસ લેવાની જરૂર નથી...!!
સુપ્રભાતમ _/\_

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.