'મા' જેવા સંત.
સ્વામિનારાયણ સંપ્રદાય તગારું (સમાજ સેવા), નગારું (ભજન-ભક્તિ-ઉત્સવો) અને તાવડા (રસોઈ-બીજા ને જમાડવા) માટે આખાયે વિશ્વમાં પ્રખ્યાત છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સુપ્રસિદ્ધ સંત અને કવિરાજ શ્રી મુક્તાનંદ સ્વામીનાં જીવનનો એક પ્રસંગ કહેવો છે.
મુક્તાનંદ સ્વામી એકવાર પોતાનાં સંત મંડળ સાથે આસપાસનાં ગામડાઓમાં સત્સંગ પ્રચાર માટે ગયા હતા. સ્વામીજી વર્ષોથી એકટાણું કરતા હતા. માત્ર બપોરે એક જ સમય જમવાનું. સાથે રહેલા સંત મંડળને પણ આ વાતની ખબર હતી.
સાધુ સંતોનો ઉતારો ગામમાં એક હરિભક્ત ને ત્યાં હતો. સાંજનો સમય હતો. બપોરા થોડા જલ્દી કરી લીધા હતા. પણ સાંજે ઘરમાં એ હરિભક્ત અને તેનાં સાથીઓ માટે ગરમ ગરમ રોટલા અને રીંગણનું શાક થતું હતું. રસોઈ ની સોડમ નાના સાધુઓના નાક સુધી પહોચી ગઈ. અને નાના સાધુઓનાં પેટમાં ભૂખે ગેડી દડો રમવાનું શરુ કરી દીધું હતું...!!
પોતાના બાળ-શિષ્યોની આંખમાં ભૂખ અને ઘરમાં રોટલા-શાકની મઘમઘતી સોડમનો અણસાર જોઈ મુક્તાનંદ સ્વામી પરિસ્થિતિ પામી ગયા. સ્વામીજીએ જેમના ઘરમાં ઉતારો હતો એ હરિભક્તને હાકલ કરીને બોલાવ્યા અને કહ્યું," ભગત, તમારી રસોઈની સોડમથી અમારી ભૂખ ઉઘાડી છે, લાવો રોટલો અને શાક ખાઈ લઈએ."
પેલા હરિભક્ત તો ખુબ જ ખુશ થયા અને હોંશે હોંશે સંતોને જમાડવાની વ્યવસ્થા કરી. પોતાના બાળ-શિષ્યો માટે થઈને આ સંતે વર્ષોથી પાળેલો એકટાણાનો નિયમ ભંગ કર્યો. અને પેટ ભરીને સૌએ રોટલા-શાક ખાધા.
સંતો સરળ સ્વભાવનાં - ઉદાર દિલ - અને શિષ્યવત્સલ હોય છે. પ્રેમ અને વાત્સલ્ય માટે પોતાના કડક નિયમોનું બલિદાન આપી દેતા પણ અચકાતા નથી. આવા અનેક પ્રસંગોનાં લીધે મુક્તાનંદ સ્વામી ને આખાયે સ્વામિનારાયણ સંપ્રદાયની "મા" તરીકે આજે પણ લોકો બિરદાવે છે.
એટલે જ આપણા લોક સાહિત્યમાં કહેવાયું છે કે "સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો..."
પ્રણામ _/\_
જય સ્વામિનારાયણ નીરવ.ભાઈ ...
જવાબ આપોકાઢી નાખો