બુધવાર, 17 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 17

     પ્રાર્થના વગરનું જીવન રિક્ત અને અર્થશૂન્ય છે, કારણ કે પ્રાર્થના તમારા ઉચ્ચતર અંશ સાથેનો એ સંવાદ છે, જે તમારી સમક્ષ આ ભવ્યોજ્જ્વલ જીવનની સભરતા છતી કરે છે; અને એ જ તમારો સાચો વારસો છે. તમારી પ્રાર્થના અત્યંત વિધેયાત્મક અને રચનાત્મક થવા દો, અને તમે કશા માટે હજુ પ્રાર્થના પણ કરો, તે પહેલાં તે મળનાર વસ્તુ માટે આભાર માનો.
તમે પ્રાર્થના કરતાં હો ત્યારે, સકળ જીવનમાં રહેલી એકતાનો અનુભવ કરો જ્યાં કોઈ જુદાઈ નથી, કારણ કે સઘળું એક જ છે.
પ્રાર્થના સહુને સાંકળે છે, તે બધાંને ભેગા લાવે છે અને પૂર્ણ ઐક્ય સર્જે છે.
મારી સાથે વાત કરો અને મને સાંભળો.
મારી પાસે આ કે તે યાચવામાં સમય ન બગાડો,
કારણ કે એ કાંઈ સાચી પ્રાર્થના નથી.
યાચના કરવી એટલે પૃથકતા સર્જવી અને હું તો આખોય વખત તમે એકત્વ સર્જાતા રહો એમ ઈચ્છું છું.
આપણે એક છીએ.
હું તમારી અંદર છું.
મારે માટે તમારે બહાર શોધ કરવાની નથી.
તમે મને ઓળખો એની રાહ જોતો હું તો હંમેશ અહીં જ છું.
હું તમારામાં 'ને તમે મારામાં,
આપણી એ એકાત્મતાને હવે પિછાણો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.